શ્રેયસ અય્યર..., એવાં ખેલાડીઓ જેમને મળી શકે છે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમવાનો ચાન્સ, આ નામ ચોંકાવનારું
IND vs ENG : ક્રિકેટ જગતથી ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં તેને યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત મે મહિનાના અંત સુધીમાં થઈ શકે છે. ભારતીય ટીમના નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત થવાની હોવાથી ચાહકોની નજર ટીમ પસંદગી પર પણ ટકેલી છે. રોહિત શર્માએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, ત્યારબાદ ભારતીય ટીમ નવા ટેસ્ટ કેપ્ટનની શોધમાં છે.
ભારતીય પસંદગીકારોએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (2024-25) માટે 18 સભ્યોની ટીમ પસંદ કરી હતી. ભારતનો આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસની જેમ ખૂબ લાંબો રહેવાનો છે. આવી સ્થિતિમાં એવી શક્યતા છે કે, ભારતીય પસંદગીકારો ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પણ 18 સભ્યોની ટીમ પસંદ કરે. પસંદગીકારો ચોક્કસપણે ભારતીય ટીમ પસંદ કરશે પરંતુ તે પહેલાં આપણે જાણીશું કે, એવા ખેલાડીઓ કોણ છે જેમને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે તક મળી શકે છે.
- બેટ્સમેન (7) : શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ અને સાઈ સુદર્શનને ટીમમાં નિષ્ણાત બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવે તેવી અપેક્ષા છે. શુભમન ગિલને પણ ટીમનો કેપ્ટન બનાવી શકાય છે. જ્યારે શ્રેયસ ઐયર, કરુણ નાયર અને સરફરાઝ ખાન પણ પોતાની એન્ટ્રી કરી શકે છે.
- વિકેટકીપર (2) : ઋષભ પંત ઉપરાંત ધ્રુવ જુરેલ પણ વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમમાં હોઈ શકે છે. જુરેલ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ ભારતીય ટીમનો ભાગ હતો પરંતુ પછી તેને ફક્ત પર્થ ટેસ્ટમાં જ ભાગ લેવાની તક મળી. ઋષભ પંતને ઉપ-કેપ્ટનની જવાબદારી પણ મળી શકે છે.
- ઓલરાઉન્ડર (3) : નીતીશ કુમાર રેડ્ડી ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમનો ભાગ બની શકે છે. જ્યારે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર તરીકે પ્રવેશી શકે છે.
- ફાસ્ટ બોલર્સ (5) : જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને ફાસ્ટ બોલિંગ યુનિટમાં સ્થાન મળી શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણા અને હર્ષિત રાણાને પણ નિષ્ણાત ઝડપી બોલર તરીકે ટીમમાં સામેલ કરી શકાય છે.
- સ્પિનર (1) : કુલદીપ યાદવને સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે સામેલ કરી શકાય છે જે ઇંગ્લિશ પિચો પર અસરકારક સાબિત થઈ શકે છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની 18 સભ્યોની સંભવિત ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, શ્રેયસ ઐય્યર, કરૂણ નાયર.
આ ખેલાડીઓ પણ પસંદગીના દાવેદાર : અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, આકાશ દીપ, અભિમન્યુ ઈશ્વરન, અંશુલ કંબોજ, અર્શદીપ સિંહ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, તનુષ કોટિયન, નવદીપ સૈની, ખલીલ અહેમદ.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ત્રીજા રાઉન્ડ (2023-25) ના ફાઇનલના થોડા દિવસો પછી જ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી યોજાવાની છે. WTC ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 11 જૂનથી લોર્ડ્સમાં રમાશે. ટીમ ઇન્ડિયાએ છેલ્લે 2021માં ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો જે 2-2થી ડ્રો રહી હતી. જોકે કોવિડ-19 રોગચાળાને કારણે તે પ્રવાસની છેલ્લી ટેસ્ટ મેચ 2022માં રમાઈ હતી જેમાં ઇંગ્લેન્ડે સાત વિકેટથી જીત મેળવી હતી.
ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક
- પહેલી ટેસ્ટ : 20-24 જૂન, હેડિંગ્લી, લીડ્સ
- બીજી ટેસ્ટ : 2-6 જુલાઈ, એજબેસ્ટન, બર્મિંગહામ
- ત્રીજી ટેસ્ટ : 10-14 જુલાઈ, લોર્ડ્સ, લંડન
- ચોથી ટેસ્ટ : 23-27 જુલાઈ, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર
- પાંચમી ટેસ્ટ : 31 જુલાઈ-4 ઓગસ્ટ, ધ ઓવલ, લંડન










