- 02 Jan, 2026
- 65
વિરમગામ-માંડલ-દેત્રોજ વિસ્તારમાં ₹497 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું.
અમદાવાદ,
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતેથી ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હેઠળ વિરમગામ વિધાનસભા વિસ્તારના કુલ ₹497 કરોડના વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો સંપન્ન થયા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નવા વર્ષનો આજનો પહેલો દિવસ વિરમગામ, માંડલ અને દેત્રોજના સમગ્ર વિસ્તાર માટે વિકાસનું પર્વ બની રહ્યો છે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણ અને વિઝનથી સુદ્રઢ બનેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી તથા ઔદ્યોગિક વિકાસના કારણે આ વિસ્તારમાં આવેલા વ્યાપક પરિવર્તન અંગે વિગતે વાત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે ખાતમુહૂર્ત થયેલા ઓવરબ્રિજ, સરકારી કચેરીઓ, માર્ગોના નવીનીકરણ સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પોથી સ્થાનિક નાગરિકોને વધુ સારી સુવિધાઓ અને રાહત મળશે. તેમણે ઉમેર્યું હતું કે આવા પ્રકલ્પો વિસ્તારના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની “જે કહેવું તે કરવું” જેવી કાર્યસંસ્કૃતિને અનુસરીને રાજ્ય સરકાર છેવાડાના માનવીના કલ્યાણ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે વિકાસને વધુ વેગ આપીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાની રાજ્ય સરકારની દૃઢ સંકલ્પબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
.jpeg)









