- 01 Jan, 2026
- 51
મહેસાણામાં રૂ. 836 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યો વિકાસને વેગ
મહેસાણા: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 140 કરોડના તેમજ મહેસાણા જિલ્લાના વિવિધ વિભાગોના રૂ. 696 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રીશ્રીઓ શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શ્રી પ્રવિણભાઈ માળી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણાના સતત અને સર્વાંગી વિકાસને વેગ આપવા સાથે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરનાર આ વિકાસકાર્યોમાં પ્રાઈમરી સ્કૂલ, સ્માર્ટ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વોક-વે, ફ્લાયઓવર, આઇકોનિક રોડ, વોટર પ્લાન્ટ, સ્માર્ટ આંગણવાડી તેમજ સ્ટ્રીટ લાઇટ્સ જેવા મહત્વના પ્રકલ્પોનો સમાવેશ થાય છે.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપન દ્વારા શહેરોના ગુણવત્તાયુક્ત વિકાસના સંકલ્પ સાથે કાર્ય કરી રહી છે. તેમણે આજે શુભારંભ થયેલા મહેસાણા જિલ્લાના વિકાસકાર્યો તથા રાજ્યભરના શહેરોમાં ચાલી રહેલી કાયાપલટ અંગે વિગતવાર માહિતી આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છતા, વૃક્ષારોપણ અને જળસંચય જેવા પર્યાવરણ સંરક્ષણના મુદ્દાઓ પર નાગરિકોને જાગૃત બનવા આહ્વાન કર્યું હતું. સાથે જ સ્વસ્થ જીવનશૈલી માટે યોગને અપનાવવાની અપીલ કરી હતી. શહેરોના સર્વાંગી વિકાસ દ્વારા ‘વિકસિત ભારત’ માટે ‘વિકસિત ગુજરાત’ બનાવવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.












