સાંતલપુર તાલુકાના માનપુરા ગામ ખાતે સ્થિત મોડલ ફાર્મ – માનપુર પર આત્મા કચેરી, પાટણ દ્વારા જિલ્લા અંદર તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી, રવિ પાકોની પદ્ધતિઓ, ખેડૂતલક્ષી યોજનાઓ તેમજ નવનિર્મિત Farmer Interest Group (FIG) સંબંધિત માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવ્યું.

પ્રારંભે વંદનાબેન ડામોર (બી.ટી.એમ., સાંતલપુર)એ પ્રાકૃતિક ખેતીનાં આયામો, ઉત્પાદનક્ષમ ફાયદા તથા પરંપરાગત કૃષિમાંથી પ્રાકૃતિક ખેતી તરફ વળવાના લાભો વિશે વિસ્તૃત સમજ આપી. નરેશ ચૌધરી (એ.ટી.એમ., સાંતલપુર)એ જમીનનાં આરોગ્ય, પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને ખર્ચમાં થતા ઘટાડા વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.

વિસ્તરણ અધિકારી રોહિતભાઈ જાસકિયાએ રવિ પાકોની નવીન ખેતી પદ્ધતિઓ, પાક અનુસાર સંભાળ અને ઉપજ વધારવાના ઉપાયો રજૂ કર્યા. કિરીટભાઈ ગ્રામ સેવકએ વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ, સહાયપાત્રતા અને લાભ મેળવવાની પ્રક્રિયા વિશે માહિતી આપી.

આ સાથે આત્મા યોજનાના ઘટકો તથા FIG ગ્રુપની રચના, તેની જરૂરિયાત અને લાભો વિશે વંદનાબેન ડામોર દ્વારા વિશદ માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ દરમ્યાન કિરણભાઈ ચૌધરી (C.R.P.)એ પોતાના ખેડૂત અનુભવો શેર કરી પ્રાકૃતિક ખેતીથી મળેલા સકારાત્મક પરિણામો રજૂ કર્યા. પ્રગતિશીલ ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતીનાં સફળ આયામો રજૂ કરી અન્ય ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા.

સમારોપે ખેડૂતોના પ્રશ્નોનું ઉકેલ આધારિત નિરાકરણ આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ચિરાગભાઈ, આસિસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજર નરેશ ચૌધરી તથા બ્લોક ટેક્નોલોજી મેનેજર વંદનાબેન ડામોર દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું.

આ તાલીમ દ્વારા સાંતલપુર તેમજ આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, નવીન કૃષિ પદ્ધતિઓ અને સરકારની યોજનાઓ વિશે મહત્વપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું, જે ભવિષ્યમાં ઉત્પાદન અને આવકમાં વૃદ્ધિ માટે મદદરૂપ બનશે.

 

 

 

Share :

સંબંધિત સમાચાર