- 29 Nov, 2025
- 41
RBSKનું જીવનદાન: પાટણના દીકરાનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સંપૂર્ણ નિઃશુલ્ક
પાટણમાં શાળા આરોગ્ય ચકાસણી દરમિયાન બાળકને નવજીવન — RBSK યોજનાથી સફળ કીડની ટ્રાન્સપ્લાન્ટ
પાટણમાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ એક વિધાર્થીનું જીવન બદલાઈ ગયું છે. ગંભીર કીડની રોગથી પીડાતા બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત માત્ર મોંઘી સારવાર જ નહીં, પરંતુ નવું જીવન પણ મળ્યું છે.
શાળામાં યોજાયેલ રૂટીન હેલ્થ ચેકઅપ દરમિયાન RBSK ટીમે બાળકની કીડનીમાં ગંભીર બીમારીના લક્ષણો ઓળખ્યાં હતા. ટીમે તાત્કાલિક વધુ નિદાન અને સારવાર માટે જરૂરી કાર્યવાહી શરૂ કરી.
આ બાદ બાળકને અમદાવાદના ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ખાતે મોકલવામાં આવ્યો, જ્યાં સંપૂર્ણ તપાસ બાદ તા. 22 ઑગસ્ટ 2024ના રોજ દાતા દ્વારા મળેલી કીડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.
ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરીનો ખર્ચ આશરે 50 લાખ રૂપિયા જેટલો થાય છે, પરંતુ RBSK યોજના હેઠળ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી.
ટ્રાન્સપ્લાન્ટ બાદ જરૂરી IVIG ઇન્જેક્શનનો દર મહિને આશરે 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. છ મહિના સુધીના આ દવાઓના કુલ લગભગ 10 લાખ રૂપિયાનો ખર્ચ પણ સરકાર દ્વારા વહન કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત, RBSK ટીમ નિયમિત ગૃહ મુલાકાત લઈને પરિવારને સતત માર્ગદર્શન પુરૂ પાડે છે.
આ સમગ્ર ઘટના RBSK યોજનાની અસરકારકતા અને સરકારની આરોગ્ય સેવાઓની સંવેદનશીલતા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે.










