હવે ચોમાસું બેસતા વાર નહીં લાગે! આ તારીખથી કેરળમાં ચોમાસાની થશે વિધિવત એન્ટ્રી, જ્યારે અન્ય રાજ્યોમાં...!
હવામાન વિભાગની આગાહી અનુસાર, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વહેલું કેરળમાં પ્રવેશી શકે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ 1 જૂને આવે છે, પરંતુ આ વર્ષે ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે ચોમાસું 25 મે સુધી કેરળમાં આવી શકે છે. અગાઉ હવામાન વિભાગે 27 મે સુધી ચોમાસાની આગમનની સંભાવના દર્શાવી હતી. મંગળવારે IMD દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આગામી 4-5 દિવસમાં ચોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આ બદલાવને કારણે દક્ષિણ ભારત અને પશ્ચિમ કિનારાઓ પર ભારે વરસાદ જોવા મળી શકે છે.

IMDએ જણાવ્યું છે કે 20 થી 26 મે દરમ્યાન કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવા જેવા પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સાથે જ, દ્વીપકલ્પીય ભારતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. કેરળના કાસરગોડ, કન્નુર, વાયનાડ અને કોઝિકોડ જિલ્લામાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ પલક્કડ, મલપ્પુરમ અને ત્રિશુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
![]()
ઉત્તર પૂર્વ ભારત અને ઉપ-હિમાલયી વિસ્તારમાં પણ હવામાનમાં મોટો ફેરફાર જોવામાં આવી રહ્યા છે. આગામી 3 દિવસોમાં અસમ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં વીજળી સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. બીજી તરફ, ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશમાં 23 અને 24 મે, તેમજ ઉત્તરાખંડમાં 21 થી 26 મે સુધી વાવાઝોડા, વીજળી અને ભારે પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ 20 થી 26 મે વચ્ચે આ જ પ્રકારના હવામાનની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં 23 અને 24 મેના રોજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
જ્યારે દક્ષિણ અને પૂર્વ ભારતમાં વરસાદ શરૂ થવાનો છે, ત્યારે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં, ખાસ કરીને રાજસ્થાનમાં, તીવ્ર ઉષ્ણતા અને ગરમીનું મોજું યથાવત્ રહેશે. એટલે કે, ચોમાસાની શરૂઆત સાથે જ સમગ્ર દેશમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળતો રહેશે. IMDની આ આગાહીઓ મુજબ સામાન્ય જનતાએ પૂરતી તકેદારી રાખવી અનિવાર્ય બની ગઈ છે.










