પાટણની સીમેન પ્રોડક્શન સંસ્થામાં રાજ્યપાલશ્રીએ કામગીરીનું અવલોકન કર્યું.
પાટણ ખાતે આવેલી સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા. રાજ્યપાલશ્રીએ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનું અવલોકન કરી પશુ સંવર્ધન ક્ષેત્રે કરવામાં આવતી વૈજ્ઞાનિક અને આધુનિક કામગીરીની પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયાસોને અભિનંદન પાઠવ્યા હતા.
મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ખાસ કરીને સીમેન પ્રોડક્શન તથા લિંગ નિર્ધારિત (Sexed Semen) ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આવી આધુનિક ટેકનોલોજી પશુપાલન ક્ષેત્રમાં ગુણવત્તાસભર ઓલાદ વિકાસ અને દૂધ ઉત્પાદનમાં વધારો લાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. રાજ્ય સરકાર અને પશુપાલન વિભાગની કામગીરીને બિરદાવતા તેમણે સેવાઓને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું.
ગુજરાત પશુધન વિકાસ બોર્ડ સંચાલિત આ સંસ્થા વર્ષ ૨૦૧૦થી કાર્યરત છે અને સમગ્ર રાજ્યમાં થીજવેલ સીમેન ડોઝનું ઉત્પાદન અને વિતરણ કરતી અદ્યતન અને એકમાત્ર સંસ્થા તરીકે જાણીતી છે. સંસ્થાને ભારત સરકાર દ્વારા સતત “A” ગ્રેડ એનાયત કરવામાં આવ્યો છે. અહીં બાયોસિક્યોરિટી માપદંડોનું કડક પાલન કરવામાં આવે છે તેમજ ગીર, કાંકરેજ, મહેસાણી અને જાફરાબાદી જેવી ઉત્તમ જાતિના સાંઢોનું સંવર્ધન કરવામાં આવે છે.
તાજેતરમાં શરૂ કરાયેલી લિંગ નિર્ધારિત સીમેન ટેકનોલોજી દ્વારા ૯૦ ટકાથી વધુ માદા બચ્ચાનો જન્મદર નોંધાઈ રહ્યો છે, જે પશુપાલકો માટે ખૂબ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સંસ્થાએ ૩૫ લાખથી વધુ પરંપરાગત તેમજ ૨ લાખથી વધુ લિંગ નિર્ધારિત સીમેન ડોઝનું ઉત્પાદન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
રાજ્યપાલશ્રીએ મુલાકાત દરમિયાન સીમેન સ્ટેશન, ગુજરાત બોવાઇન સીમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ તેમજ બુલ શેડની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી.એચ. ટાંક, પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલ તેમજ મદદનીશ પશુપાલન નિયામક ડૉ. પ્રદીપ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










