- 26 Sep, 2025
- 85
ઉદ્યોગનું કેન્દ્રબિંદુ બનાસકાંઠા : ₹283 કરોડના MOUથી વિકાસને નવી દિશા
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આજે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં તથા માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ અને એક્ઝિબિશન યોજાયું.
આ કોન્ફરન્સ દરમિયાન ઉદ્યોગ વિભાગ સાથે વિવિધ કંપનીઓ દ્વારા કુલ ₹283 કરોડના MOU હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેના પરિણામે જિલ્લાની ઔદ્યોગિક પ્રવૃત્તિઓને નવી ગતિ મળશે અને હજારો લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે.
વાયબ્રન્ટ ગુજરાત, જેનું આરંભ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ પ્રયાસોથી થયો હતો, આજે માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ દેશ-વિદેશથી રોકાણ આકર્ષતું વિશ્વસનીય પ્લેટફોર્મ બની ગયું છે. ગુજરાતમાં મૂડીરોકાણ અને ઉદ્યોગો ઝડપથી વિકસી રહ્યા છે, જેના સીધા લાભ ગ્રામ્ય વિસ્તારો તથા છેવાડાના નાગરિકો સુધી પહોંચતા થયા છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ, જિલ્લા કલેકટર શ્રી મીહીરભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, ચેમ્બર ઓફ કોમર્સ બનાસકાંઠાના પ્રમુખ શ્રી શિવરામભાઈ પટેલ, ઉદ્યોગપતિઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ, વહીવટી તંત્ર તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.










